સમિતિના ગઠનની ભૂમિકા :
જેને આપણે અત્યારે બુનિયાદી શિક્ષણ તરીકે ઓળખીએ છીએ તે શિક્ષણ ડૉ. ઝાકિર હુસેનની અધ્યક્ષતા હેઠળ નિમાયેલ સમિતિની ફળશ્રુતિ છે. પાયાની કેળવીનો વિચાર લગભગ ઈ.સ. 1901 થી થયો. ગાંધીજીએ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય ફાર્મમાં જે પ્રકારનું શિક્ષણ શરૂ કરેલું ત્યારથી જ આ વિચારના શ્રીગણેશ મંડાયેલાં. ભારત દેશની જરૂરિયાતો પૂરી કરી શકે તેવી. હાથ, પગ અને હૈયું ત્રણેષ ચાલતા રહે તેવી કેળવણી આપવાની જરૂરિયાત પર ગાંધીજીએ ભાર મૂક્યો. ગાંધીજીએ 22-23 ઑકટોબર, 1937માં શિક્ષણકારોનું એક સંમેલન વર્ષામાં બોલાવ્યું. આ સંમેલનમાં રાષ્ટ્રીય શિક્ષણના સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા. આ સિદ્ધાંતો મુજબ બુનિયાદી શિક્ષણનો અભ્યાસક્રમ તૈયાર કરવા માટે જામિયા મિલિયા ઇસ્લામિયાના આચાર્ય ડૉ. ઝાકિર હુસૈનના અધ્યક્ષસ્થાને એક સમિતિ નીમવામાં આવી. આ સમિતિ 'ઝાકીર હુસેન સમિતિ'ના નામે ઓળખાય છે. તેમાં કુલ 7 સભ્યો હતા. પ્રમુખ તરીકે ડો. ઝાકિર હુસેન, મંત્રી તરીકે શ્રી આર્યનાયકમ્ અને સભ્યોમાં ખ્વાજા ગુલામ સૈયુદીન, શ્રી વિનોબા ભાવે, કાકાસાહેબ કાલેલકર, જે. સી. કુમારપ્પા અને શ્રી કિશોરલાલ મશરૂવાળા હતા.
સમિતિએ પ્રાથમિક અહેવાલ 40 દિવસમાં ડિસેમ્બર 1937માં રજૂ કર્યો.
સમિતિએ આપેલ શિક્ષણ યોજનાની રૂપરેખા :
- બુનિયાદી શિક્ષણનો સમયગાળો 7 વર્ષનો રાખવો. આ પ્રકારનું શિક્ષણ 7 થી 14 વર્ષના બાળકોને મફત અને સાર્વત્રિક રીતે આપવું.
- શિક્ષણનું માધ્યમ માતૃભાષા રાખવું.
- સંપૂર્ણ શિક્ષણ કોઈ એક પાયાના ઉત્પાદકક્ષમતા માધ્યમથી આપવું.
- શિક્ષણને સ્વાવલંબી બનાવવું.
- નાગરિકતાની કેળવણી આપવી.
- શિક્ષણ દ્વારા સહકારી સમાજનો આદર્શ સિદ્ધ કરવો.
- શિક્ષણમાં અહિંસક વિચારસરણીની કેળવણીને સ્થાન આપવું.
બુનિયાદી શિક્ષણના અભ્યાસક્રમ અંગે ભલામણોઃ
સમિતિએ બુનિયાદી શિક્ષણ માટે નીચે મુજબનો અભ્યાસક્રમ નક્કી કર્યો.
વિષય સમય
- પાયાનો ઉદ્યોગ 3 કલાક 20 મિનિટ
- માતૃભાષા 40 મિનિટ
- સંગીત, ચિત્ર, ગણિત 40 મિનિટ
- સામાજિક અને સામાન્ય વિજ્ઞાન 30 મિનિટ
- શારીરિક શિક્ષણ 10 મિનિટ
- રમતગમત 10 મિનિટ
- આ સમય ફાળવણી દૈનિક છે. કાંતણ-વણાટને ખ્યાલમાં રાખી પાયા ઉદ્યોગ માટે વધુ સમયની ફાળવણી કરી છે. અન્ય ઉદ્યોગ હોય તો જરૂરિયાત મુજબ સમય રાખવો.
- એક માસમાં શાળા સાયરી 24 દિવસ અને વર્ષમાં 288 દિવસ કામ કરશે.
સ્થાનિક-ભૌગોલિક સ્થિતિને લક્ષમાં લઈ પાયાના ઉદ્યોગો નીચે મુજબસૂચવ્યા છે.
- કૃષિ
- કાંતણ-વાટ
- સુથારીકામ કે લુહારીકામ
- કુંભારીકામ
- ચર્મ ઉધોગ
- મત્સ્ય ઉદ્યોગ
- બાગાયત
- કન્યાઓ માટે ગૃહવિજ્ઞાન
આ અભ્યાસક્રમ તમામ શ્રેણીમાં સહશિક્ષણને ધ્યાનમાં રાખી અપાયો છે. છતાં પણ શ્રેણી 4 અને 5માં અભ્યાસ કરતી કન્યાઓને સામાન્ય વિજ્ઞાનમાં ઘરેલું કામકાજની માહિતી મળી રહે અને શ્રેણી 6 તથા 7ની કન્યાઓને પાયાના ઉદ્યોગોને સ્થાને ગૃહવિજ્ઞાનનું પ્રાયોગિક અને શાસ્ત્રીય જ્ઞાન મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું સૂચવ્યું છે.
શાળાના વહીવટ માટે ભલામણો :
- શિક્ષણ 7 થી 14 વર્ષનાં બાળકોને આપવું.
- કન્યાઓના મા-બાપ ઈચ્છે તો 12 વર્ષની ઉંમર પછી શાળામાંથી અભ્યાસ છોડાવી શકે.
- શાળા દરરોજ 5 કલાક 30 મિનિટ કાર્ય કરશે.
- શાળાના છેલ્લાં બે વર્ષ દરમિયાન જુદાં જુદાં પ્રકારની હાથકારીગરીનું જ્ઞાન આપવું.
- એક વર્ગમાં 30 થી વધુ વિદ્યાર્થીઓ ન હોવા જોઈએ.
- બુનિયાદી શિક્ષણની તાલીમી સંસ્થા સાથે એક શાળા અવશ્ય હોવી જોઈએ.
- કન્યાઓ શિક્ષણકાર્યમાં વધુ આવે તેવાં પ્રયત્નો કરવા.
- શિક્ષકોનો પગાર માસિક રૂ. 20/- થી ઓછો ન હોવો જોઈએ.
મૂલ્યાંકન અને પરીક્ષણ અંગે ભલામણો :
- વિદ્યાર્થીને એક શ્રેણીમાંથી બીજી શ્રેણીમાં જવા દેવા માટે તેમને શિક્ષણ આપતા અધ્યાપકો જ તેમના કાર્યને આધારે નિર્ણય કરે.
- તમામ બુનિયાદી શાળાઓનું માપ એકસરખું રહે તે માટે એક શિક્ષણ પરિષદ બનાવવી.
- આ પરિષદ દરેક વર્ષે જુદાં જુદાં ક્ષેત્રોની શાળાના માત્ર એક જ વર્ગની પરીક્ષા લે.
- શિક્ષણ પરિષદ વાર્ષિક મૂલ્યાંકન, પાયાના ઉદ્યોગના કાર્યમાં વિદ્યાર્થીની યોગ્યતા અને શાળાના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આસપાસના વાતાવરણમાં જે સુધારણા કરી શકયા હોય તેના દ્વારા પોતાનો નિર્ણય કરશે.
બુનિયાદી શિક્ષણની વિભાગવાર ફાળવણી :
વર્ષા શિક્ષણ સમિતિ બુનિયાદી શિક્ષણની વિભાગવાર ફાળવણી નીચે મુજબ કરી હતી.
(1) પૂર્વ બુનિયાદી : જેમાં 7 વર્ષની નીચેના બાળકો માટે
(2) બુનિયાદી શિક્ષણ : જેમાં 7 થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે
(3) ઉત્તર બુનિયાદી કેળવણી : જેમણે બુનિયાદી શિક્ષણ પૂરું કર્યું છે તેમના માટેની માધ્યમિક કેળવણી
(4) ઉત્તમ બુનિયાદી કેળવણી : ઉચ્ચ શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ અને જીવનની પ્રત્યેક અવસ્થાનું શિક્ષણ.
બુનિયાદી શિક્ષણના અમલીકરણ અંગે :
બુનિયાદી શિક્ષણના અમલીકરણ અંગે સમિતિએ નીચે મુજબ ભલામણો હતી.
1. અનુબંધ : શિક્ષણમાં અનુબંધ (સહસંબંધ)ની બાબતને સમિતિએ ઘણું જ મહત્ત્વ આપ્યું છે. શિક્ષણના દરેક વિષયને કોઈ પણ એક ઉદ્યોગના સંદર્ભમાં શીખવવાની પ્રયુક્તિને અનુબંધ કહે છે.
2. ધાર્મિક શિક્ષત્ર : શિક્ષણને ધર્મને સીપી રીતે સાંકળવાથી શિક્ષણ સાંપ્રદાયિક બની જાય છે. ગાંધીજીના વિચારોને આધારે વિશ્વના તમામ ધર્મોમાં જે સમાન તત્વો છે તેનું શિક્ષણ આપવાથી બાળકોમાં સર્વધર્મ પ્રત્યે આદરની ભાવના ઉત્પન્ન થશે.
3. ઉત્પાદક શ્રમ : ગાંધીજી માત્ર માનસિક કેળવણીના વિરોધી હતી. તે હાથ, પગ અને હૈયું ત્રણેય બાબતોની કેળવણીના હિમાયતી હતા. તેથી સમિતિએ બુનિયાદી શિક્ષણમાં ઉત્પાદકશ્રમ પર વિશેષ ભાર મૂક્યો. આ શ્રમ ઉદ્યોગના કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે અને તે દ્વારા શિક્ષ્ણ સ્વાવલંબી બને તે જોવાનું રહે.
નિષ્કર્ષ :
આ સમિતિની રચના અને તેની ભલામણોનું અમલીકરણ અંગ્રેજોની વિદાયવેળા અથવા તેના થોડા સમય પછી થયા.
આ સમિતિએ -
- આધુનિક ટેકનોલૉજીની ઉપેક્ષા કરી.
- ચિત્ર અને સંગીત સિવાય બીજી કલાઓની ઉપેક્ષા કરી.
- વિદ્યાર્થીઓને અદ્યતન અસરોથી મુક્ત રાખવા કોઈ વિકલ્પ સૂચવ્યો નથી.
- મનોવૈજ્ઞાનિક વલણો તરફ ધ્યાન અપાયું નથી. ઉદ્યોગ શિક્ષણને કારણે વાચન શિક્ષણ પર ભાર મૂકાયો નથી.
- અનુબંધનો વાસ્તવિક ઉપયોગ મુશ્કેલ છે.
- શારીરિક શિક્ષણ માટે ઘણો ઓછો સમય ફાળવ્યો છે.
તેમ છતાં સમિતિએ ભારતના પાંચ લાખ ગામડાંને ધ્યાનમાં લઈ વિશાળ દેશ માટે બુનિયાદી પદ્ધતિની હિમાયત કરી છે તે શ્રેષ્ઠ છે.